*દિવાળી સૌથી મોટો મહત્વ ધરાવતો તહેવાર સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો છ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. તેમાં સમાઈ ગયેલા છ તહેવારોના આગાવાં નામ છે, આગાવી ઓળખ છે અને ઉજવણીની આગાવી પ્રણાલિકાઓ પણ છે. છતાં ‘દિવાળીના તહેવારો’ ના નામ એક જ નામ નીચે કેવાં સંપીને સમાઈ ગયા છે ! આ તહેવારો પાસેથી આપણે ઘણું શીખ્યા છીએ અને શીખીએ છીએ. વાઘબારસથી ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સળંગ છ દિવસ સુધી ઊજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવે છે.*
_તો ચાલો જાણીએ કે આ છ દિવસનું શું મહત્વ છે !_
* વાઘબારસ :* દિવાળીના તહેવારની શરૂઆત વાઘબારસથી થાય છે. જાણીતી લોકવાયકા મુજબ ભગવાન વિષ્ણુએ વાઘના સ્વરૂપવાળા રાક્ષસનો વધ કર્યો હોવાથી આ દિવસ વાઘબારસ તરીકે ઊજવવામાં આવે છે. આ પવિત્ર દિને ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.
*ધનતેરસ:* આસો માસના કૃષ્ણપક્ષની તેરસનો આ દિવસ ‘ધનતેરસ’ ના નામથી ઓળખાય છે. કારણ કે તેનો સંબંધ, તેનું મહાત્મ્ય ધન એટલે કે લક્ષ્મી સાથે સંકળાયેલું છે. આ દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. આમ લક્ષ્મી એ માત્ર નાણાંની જ દેવી નથી. વિશ્વભરની જે કંઈ સંપત્તિ છે, શુભ અને શોભાયમાન સંપત્તિ છે તેની અધિષ્ઠાત્રી છે. એટલે લક્ષ્મીપૂજન વેળાની ભાવના માત્ર સંપત્તિ મેળવવાની જ નહીં શુભ માર્ગે અને શોભા વધારે તેવી સંપત્તિ પ્રાપ્ત કરવાની હોવી ઘટે.
*કાળીચૌદશ અથવા નરક ચતુર્દશી :*આસો વાળ અમાસની ઘોર અંધારી રાતને પણ એક મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. આ તહેવારનું મહત્વ બે પ્રકારે ગણાય છે. એક અંધકાર પર ઉજાસનો વિજય અને સૃષ્ટિના અગોચર પ્રદેશોમાં વસતા, વિચરતા, સ્વચ્છ કે મેલા પણ પ્રબળ શક્તિશાળી તત્વોની સાધના. કાળીચૌદશની રાત્રી ગુઢ વિદ્યાઓ અને ગુપ્ત સાધનાઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.આ રાત્રે આવા સાધકો પોતે પસંદ કરેલા મંત્ર, વિદ્યા, આધિભૌતિક તત્વો, આસુરી તત્વો વગેરેની સાધના માટે ક્રિયાકાંડો અને વિધિઓ કરતા હોય છે.
*નરક ચતુર્દશી :* ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષ નરકાસુર હણાયો હતો. તે દિવસ અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય થયો હતો. ભાગવત પુરાણ અનુસાર આ દિવસે કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો.
*દિવાળી :*વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સવી, દીપાવલી … આ તહેવારની ઉજવણીનું મુખ્ય અંગ છે અસંખ્ય દીવડાઓની અનંત હારમાળા. આસો વદ અમાસની આ રાત્રીને અમાસ હોવાથી કુદરતે કાળી ઘોર અને અંધારી બનાવી છે તે સ્વભાવિક છે.પરંતુ આ દિવસે માનવ જાણે કુદરતદત્ત અંધકારને હટાવી દઈ પ્રકાશ પાથરવાનું પરમ સરાહનીય અભિયાન આરંભે છે.દિવાળીના દિવસને હૃદયના રંગ વડે, ઉલ્લાસ અને ઉછરંગપૂર્વક દીવડા, મિષ્ટભોજન, સુંદર વસ્ત્રાલંકાર, મનોહર રંગોળી અને પારસ્પરિક શુભેચ્છાઓ વડે ઊજવીએ તો તે ઉજવણીમાં કોઈ અધૂરપ ગણાશે નહીં.
*દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ પણ ગણવામાં આવે છે. આ દિવસે સાક્ષરો, વિદ્વાનો અને વિદ્યાના ઉપાસકો પોતાનાં પુસ્તકોનું પૂજન કરી બુદ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા યાચે છે. તો વેપારીઓ તેમના હિસાબી ચોપડાઓનું વિધિવત પૂજન કરે છે અને નવા ચોપડાઓનો પ્રારંભ કરે છે.*
*લક્ષ્મી પૂજા :* ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજાને દિવાળીના દિવસે મહત્વ અપાય છે.ઘરોમાં સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા થાય છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા પ્રગટાવી સમૃધ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.
*નૂતન વર્ષ :*દિવાળી પછીનો દિવસ નવા વર્ષનો પ્રથમ દિવસ – કાર્તિક સુદ એકમ.આ દિવસ માનવીઓ સમક્ષ એક નવા વર્ષની ભેટ લઈને આવે છે.એક આખું વર્ષ અનેક આશાઓ, અરમાનો, ઈચ્છાઓ, પુરુષાર્થો, સિદ્ધિઓ, નિષ્ફળતાઓ વગેરેને પોતાના ગર્ભમાં સંઘરીને માનવી સમક્ષ ખડું થાય છે.સૌ પોતપોતાના આત્મીયજનો તથા સ્વજનો અને મિત્રોને નૂતન વર્ષ સર્વપ્રકારે સુખ, સંતોષ, સમૃદ્ધિ, સફળતા અને પ્રગતિકારક નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.
*ભાઈબીજ :* કાર્તિક સુદ -૨ (બીજ) એટલે ભાઈબીજ.દેશભરમાં એક સરખા અંતરના ઉમળકા અને નિષ્ઠા સહિત ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેનના નિર્મળ, નિ:સ્વાર્થ છતાં અત્યંત રૂઢ સંબંધને હૃદયમાં તાજો કરી બળવાન બનાવવાનું નિમિત્ત બને છે.આ દિવસે બહેન પોતાના ભાઈને આમંત્રીને પોતાના ઘેર ખૂબ સ્નેહથી જમાડે છે અને ભાઈ-બહેનના એ ‘ભાવના ભોજન’ ની કદરરૂપે બહેનની રક્ષા અને સહાય માટે તો પુન:સંકલ્પબધ્ધ બને છે.પણ સાથે સાથે પ્રતીકરૂપે કોઈ ભેટ કે રોકડ સ્વરૂપે રકમ પોતાની શક્તિ અનુસાર એવા જ ભાવપૂર્વક બહેનને આપે છે.આમ આ દિવસે ભાઈ-બહેનના નિર્મળ સ્નેહ અને અંતરના આશિષ પામે છે તો બહેન તેના માડીજાયાનો એવો જ સ્નેહ, હૂંફ અને હિંમત પામે છે.